જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વ્યક્તિએ નોંધાવેલી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદમાં પ્રોજેક્ટ મેનેજરનું નામ પોલીસ દ્વારા દબાણ કરી કાઢી નાખવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરી મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ રેન્જ આઈજીને લેખિત રજૂઆત કરી છે.
મળતી માહિતી મુજબ કલ્પેશ સોલંકી સુઝલોન કંપનીમાં ફોર વ્હીકલ ચલાવવાનું કામ કરે છે અને તેમની કુલ ૧૩ ગાડીઓ છેલ્લા છ મહિનાથી કંપનીમાં ભાડે ચાલતી હતી. આરોપ છે કે પ્રોજેક્ટ મેનેજર મહેશકુમાર અને કંપનીના એડમિન અક્ષય પરસોતમ જોષીના હસ્તક્ષેપથી ગાડીઓ બંધ કરાવી દેવામાં આવી હતી.
આ મામલે કારણ જાણવા કલ્પેશ સોલંકી સાથે હીરેન ચંદુવાડિયા, મહેન્દ્ર વાઘેલા, સંદીપ કરોતરા, હરિભાઈ બેરા સહિતના લોકો જામજોધપુર સ્થિત ભાડાના રહેણાંક મકાને પહોંચ્યા હતા. ત્યાં અક્ષય જોષી એ જાતિવાદી શબ્દો બોલી અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ તુ નીચી જાતિનો છે, હું બ્રાહ્મણ છું એટલે તારી ગાડી કઢાવી નાખી જેવા અપશબ્દો બોલાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ પ્રોજેક્ટ મેનેજર મહેશકુમારે પકડી રાખતા અક્ષય જોષીએ છાતીના ભાગે મુક્કા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ કંપનીના બાકી બિલના રૂપિયા નહીં ચૂકવવાની પણ ધમકી આપવામાં આવી હોવાનું કહેવાય છે. હુમલામાં ઈજા થતા કલ્પેશ સોલંકીને પ્રથમ જામજોધપુર સરકારી દવાખાને અને બાદમાં જી.જી. હોસ્પિટલ જામનગર ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
આ બનાવ અંગે જામજોઘપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, પરંતુ પોલીસે માત્ર એક જ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હોવાનું અને પ્રોજેક્ટ મેનેજર મહેશકુમારનું નામ મોટી રકમના વહીવટના ? કારણે કાઢી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ?
કલ્પેશ સોલંકીનો વઘુમાં આક્ષેપ છે કે વિરોધ કરતા પોલીસ દ્વારા દબાણ કરી તેમની સહી લેવાઈ હતી. ઉપરાંત માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલા સીસીટીવી ફૂટેજ પણ આપવામાં આવ્યા નથી. પોલીસ સ્ટેશનમાં જતા હવે કશું નહીં થાય, જ્યાં જવું હોય ત્યાં જા તેવી વાત કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે મહેશકુમારનું નામ ફરી ફરિયાદમાં ઉમેરવા તથા નિષ્પક્ષ તપાસ કરવા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. સાથે જ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવવા અને અદાલતનો દરવાજો ખખડાવવાની ચીમકી ઉચ્ચારાઈ છે.