જામનગર જિલ્લામાં મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ
જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાના કુલ ૬ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ને રવિવારના રોજ યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આદેશમાં જણાવ્યા મુજબ ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ કે તેના પરિસરની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે. આદેશનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહી. સ્થાનિક સતા મંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે.
આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.