માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રૂ.6 કરોડના ખર્ચે મોટા વાગુદડ-સગાડીયા-ધરમપુર તથા હાપા-ઠેબા રોડના સમારકામની કામગીરી હાથ ધરાઈ
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણાની કામગીરીને વેગ આપતાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણ માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બંને કામોથી સ્થાનિક ગામોના હજારો વાહનચાલકો અને રહેવાસીઓને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.
જેમાં મોટા વાગુદડ સગાડીયા ધરમપુર રોડનું કામ કિશાનપથ યોજના હેઠળ હાથ ધરવામાં આવ્યુ છે. આ રસ્તા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.5 કરોડનો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. ધ્રોલ તાલુકામાં આવેલો આ 14 કિલોમીટર લાંબો રસ્તો મોટા વાગુદડથી સગાડીયા થઈને મોડપર સુધીના ગામોને જોડે છે અને તે તાલુકાનો એક અગત્યનો ગ્રામ્ય માર્ગ છે. વરસાદના લીધે રસ્તાના અનેક ભાગોમાં ખાડા પડી ગયા હતા અને સપાટી ખૂબ જ નબળી પડી ગઈ હતી. આ રસ્તાની સપાટી સુધારણાની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મેટલીંગ, ડામર કામ, પ્રોટેક્શન વર્ક, સાઇડ સોલ્ડર્સ અને રોડ ફર્નિચરની જોગવાઈ કરવામાં આવી છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી કે. બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એસ. વી. બાવીશી દ્વારા આ કામગીરી સત્વરે હાથ ધરાવીને બનતી ત્વરાએ પૂર્ણ કરાવવામાં આવનાર છે.
સાથે જ હાપા-ઠેબા રોડ સુધારણાનું કામ પણ હાથ ધરાયુ છે. જામનગર તાલુકામાં આવેલ આ ગ્રામ્ય રસ્તાની સપાટી સુધારણાની જરૂરિયાત ઊભી થતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા માટે રૂ. એક કરોડની રકમનો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. આ રસ્તાની સપાટી સુધારણાની કામગીરી પણ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી છે અને તેને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે. આ કાર્ય પૂર્ણ થતાં હાપા અને ઠેબા ગામો તરફ જતા વાહનચાલકોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. આમ, બંને રસ્તાઓની સપાટી સુધારણાની કામગીરી સત્વરે પૂર્ણ થવાથી આ વિસ્તારના ગ્રામ્ય પ્રજાજનોની લાંબા સમયની માગણી સંતોષાશે અને રોડ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે.