
ધાર્મિક સ્થાન બનાવવા પરિવારે ષડયંત્ર કરી પથ્થરનું તૂત ઉભું કર્યું.
મોહન ખેતરીયાએ કબુલાત આપી માફી માંગી પથ્થરનું વિસર્જન કર્યું.
સ્લેબ, નળીયા ઉપર પથ્થરની વાતોમાં ભાંડાફોડમાં નિમિત્ત બન્યું.
ચોટીલા, ત્રંબોડાના જાગતોએ તર્કટ કરનારનો ખેલ ખુલ્લો કર્યો.
ચોટીલા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી. એસ.પી. ને અભિનંદન.
વિજ્ઞાન જાથાનો ૧૨૬૯નો સફળ પર્દાફાશ.
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામમાં ત્રણ દિવસથી પથ્થર પડવાની ઘટનાએ અફવાનું કેન્દ્ર બનતા જાગતોએ ભારત જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતાં રૂબરૂ મુલાકાત કરતા ગામના મોહન સામત ખેતરીયાના પ્રપંચ, નાટકનો ભાંડાફોડ કર્યો હતો. ધાર્મિક સ્થળ બનાવવા માટે બોગસ વાર્તા ઉભી કરતાં ચોટીલા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કબુલાતનામું, માફી માગતા પરિવારને નીચાજોણું થયું હતું. જાથાનો ૧૨૬૯મો સફળ પર્દાફાશ થયો હતો.
બનાવની વિગત પ્રમાણે ચોટીલા પાસેના ત્રંબોડા ગામમાં દલિત વાસમાં રહેતા મોહન સામતભાઈ ખેતરીયાના ઘરમાં બે દિવસથી એકાએક આકાશમાંથી પથ્થર પડવાની ઘટનાએ ચર્ચાનું સ્થાન લીધું હતું. તેમનું પથ્થર નળીયા ઉપર પડવા છતાં કશું જ નુકશાન થતું ન હતું. સ્લેબ ઉપર પથ્થર પડતા અંદરના ભાગે પથ્થર આપોઆપ આવી જતાં હતાં. લોકો અચંબિત થઈ ગયાં હતાં. આશરે સત્યાવીસ નાના-મોટા પથ્થરને એકઠા કરી માતાજીના મઢ પાસે રાખી લોકોમાં તરેહ તરેહની વાતો થવા લાગી હતી. આ પથ્થરનો મહિમા બતાવી ધાર્મિક સ્થળ બનાવવાના માટે વાત મુકી ફંડ-ફાળાના દિવસો નક્કી કરવા ભુવા મંડળીને બોલાવવામાં આવી હતી. તેમણે વિધિ કરતાં બે દિવસ પછી પથ્થર આપોઆપ પડવાનું બંધ થઈ ગયું હતું. મોઢા એટલી વાતો થવા લાગતા ચોટીલાના જાગત યુવાનોએ શંકા સાથે બનાવ ઉભો કર્યાનું લાગતા વિજ્ઞાન જાથાને માહિતી પહોંચાડવામાં આવી હતી. પથ્થર પડવાના ષડયંત્ર સંબંધી વાત મુકી હતી. નળીયા ઉપર આકાશમાંથી પથ્થર પડે છે. માતાજીનો ચમત્કાર જ હોવો જોઈએ. અગાઉ ૮૦ વર્ષ પહેલા પણ પથ્થર પડવાની ઘટના બની હતી, તેવું પરિવારે જાહેર કર્યું હતું. આ વખતે પથ્થરને રાખી ધાર્મિક સ્થાન બનાવવાનો સંકલ્પ કર્યો હતો. કુટુમ્બ, ગામના ભુવા મંડળે પરિવારને પ્રોત્સાહન આપ્યું હતું. આ ચમત્કારિક પથ્થરથી મંદિર બનાવવાથી લોકોની મનોકામના પૂર્ણ થઈ જાય, સાથે માનતા રાખવાથી પરિણામ આવશે તેવું સ્વપ્નકાંડ ઉભું કરવામાં આવ્યું હતું. એક જ ઘરમાં પથ્થર પડવાના કારણે કૌતુક સાબિત થયું હતું. પરિવારના બધા સદસ્યો પથ્થર આકાશમાંથી પડયા ન હોવા છતાં ધાર્મિક આડનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર મામલો જાથાના દરવાજે પહોંચ્યો હતો.
ચોટીલાના વિનુભાઈ વાઘેલા, દિનેશભાઈ મારૂ, બી. ડી. વાઘેલા, નરેન્દ્રભાઈ, ડાયાભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ ત્રંબોડા ગામની ઘટનાની વાત કરી સત્યનું ઉજાગર કરવા જાથાને માહિતી આપવામાં આવી હતી., અફવા ભવિષ્યમાં નુકસાનકારક હોય તુરંત પર્દાફાશ માટેનો આગ્રહ કર્યો હતો.
જાથાના ચેરમેન જયંત પંડયાએ માહિતીના આધારે તુરંત ભાનુબેન ગોહિલ, અંકલેશ મનસુખભાઈ, ગુલાબસિંહને ગામમાં મોકલતા પથ્થર પડવાની ઘટના નર્યુ ભૂત છે. બાજુના કોઈપણ મકાનમાં અવાજ આવતો નથી. ઘરના જ સદસ્યોનું કાવત્રું છે. તેવી હકીકત આપી હતી. પુરાવા મળી જતા પર્દાફાશનું નકકી થયું હતું.
જાથાના ચેરમેન જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી, પોલીસ મહાનિર્દેશક, રાજકોટ રેન્જના આઈ.જી.પી. ,સુરેન્દ્રનગર કલેકટર, એસ.પી. ને પત્ર લખી પથ્થર પડવાની ઘટનાનો પર્દાફાશ કરવા ચોટીલા પોલિસ સ્ટેશનના પોલિસ કર્મીઓની બંદોબસ્ત, રક્ષણ સંબંધી માંગણી કરી હતી. ચોટીલાના પો. ઈન્સ. આઈ.બી. વલવીએ જરૂરી સૂચના મોકલવામાં આવી હતી.
રાજકોટથી જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાના વડપણ હેઠળ અંકલેશ ગોહિલ, રોમિત રાજદવે, ગુલાબસિંહ ચૌહાણ, ભાનુબેન ગોહિલ, ચોટીલાના જાથાના સદસ્ય અજયભાઈ શાહ, સ્થાનિક શુભેચ્છકો વિનુભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ વાઘેલા, ડાયાભાઈ ભાણાભાઈ, પ્રવીણભાઈ પરમાર, દિનેશભાઈ મારૂ, વિકાસભાઈ વાઘેલા, ભરતભાઈ પરમાર, વિપુલભાઈ પંચાલ, મહમદભાઈ મકવાણા, એમુ મકવાણા, અજયભાઈ સહિત કાર્યકરો ચોટીલા પોલિસ સ્ટેશને પહોંચી ગયા. ત્યાંથી પોલિસ જીપ્સી સાથે એ.એસ.આઈ. વિજયસિંહ ખુમાનસિંહ, હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ ગણપતભાઈ, પોલિસ કાફલો ત્રંબોડાના મોહનભાઈના ઘરે પહોંચી ગયો હતો.
ત્રંબોડાના મોહન ખેતરીયા હાજર ન હોવાથી બોલાવવામાં આવ્યાં, પરિવારજનો અંધશ્રધ્ધામાં ગળાડૂબ હતાં, દાદાનું સ્થાનક બનાવવું છે. આ ચમત્કારિક પથ્થરનો તેમાં ઉપયોગ કરવાનો છે. બાદ મોહનભાઈ આવી જતા પરિચય જાથાનો આપ્યો, પરિસ્થિતિ પામી ગયેલાએ તરત જ માફી માંગવાનું શરૂ કરી દીધું. મારા સિવાય કોઈએ પથ્થર પડતા જોયા નથી. નળીયા ઉપર એકપણ પથ્થર પડયો નથી. કુવાનો પથ્થર છે. બાજુમાંથી લઈ હાથેથી મુકી દીધો છે. ધાર્મિક સ્થાન બનાવી શ્રધ્ધાળુઓ પાસેથી ફંડફાળા કરવા છે. ભુવા મંડળીને બોલાવેલ છે. તે હવે બંધ રાખશું, અમારા જ્ઞાતિના લોકો જ નારાજ છે. અમે માતાજીમાં શ્રધ્ધા રાખીએ છીએ. પથ્થર પડવાની ઘટના સાબિત કરી શકયાં ન હતાં, ભાંગી પડયા હતાં. હાથ જોડવા લાગ્યો, માફી માગી લવ છું. ભૂલ થઈ ગઈ છે. પોતાનો મનસુબો સફળ ન થવાથી અફસોસ વ્યકત કરતા હતાં.
જાથાના જયંત પંડયાએ મોહનભાઈના પરિવારને જણાવ્યું કે, પહેલા ગરીબાઈમાંથી બહાર આવો. પથ્થરના ગતકડા કરવાની જરૂર નથી, પોતે બિમારીમાં સપડાયેલ હોય ફંડફાળા જ મુનાસીબ માન્યું હતું. ગામમાંથી એકપણ ગ્રામજન પડખે આવ્યું ન હતું. બધાએ તૂત છે તેથી જાથા બરાબર કરે છે. મોહનભાઈ સદંતર ભાંગી પડયાં હતાં. ખરે સમયે કોઈ મદદે આવ્યું ન હતું. ચમત્કારિક બનાવના પથ્થર બંને ભાઈઓએ સ્થાનક પાસેથી લઈ વિસર્જન કરી દીધું હતું. જાથાના સદસ્યોની ટીમ વચ્ચે જાહેરમાં માફી માંગી લીધી, જાથાએ અટકાયતી પગલાનો પત્ર પોલીસને આપ્યો ન હતો, મોહનભાઈ અતિ દરિદ્ર અવસ્થામાં જીવતા હોય તેવું લાગ્યું હતું.
ચોટીલા ગામના વિનુભાઈ વાઘેલા, દિનેશભાઈ મારૂ, બી. ડી. ચાવડા, દિનેશભાઈ વાઘેલા મિત્ર મંડળે મોટુ મન રાખી એકવાર માફી બક્ષવા જાથાને વાત કરી હતી. બિમાર હોય પોલિસ સ્ટેશને લઈ જવું નહિ તેવું જાહેર કર્યુ હતું. મામલો થાળે પાડયો હતો.
જાથાએ સ્થાનિક લોકોને જણાવ્યું કે, પથ્થર પડવાની ઘટના પહેલેથી માનવ સર્જિત લાગતું હતું તેનું પરિણામ આવ્યું. મોહનભાઈની કુબુધ્ધિના પરિણામે પથ્થર પડવાની ઘટના ઉભી કરવામાં આવી હતી. બોગસ વાત સાબિત થઈ છે. દાદાનું ધાર્મિક સ્થાનનું ગતકડું સાબિત થવાથી નિચાજોણું થયું હતું. જ્ઞાતિ-સમાજના આગેવાનોએ જ વિરોધ વ્યકત કર્યો હતો. આકાશમાંથી પથ્થર પડે તે નળિયા ઉપર પડવા છતાં સહેજે નુકસાન થયા વગર ઘરમાં આવી જવાની કપટલીલા સાબિત થઈ હતી. મોહનભાઈની મનની વાત ખોટી સાબિત થઈ હતી. લેભાગુઓથી સાવધાન રહેવા જાથાએ અપીલ કરી હતી.
વિજ્ઞાન જાથાએ ત્રંબોડામાં પથ્થરની ધતિંગલીલાનો ૧૨૬૯ મો સફળ પર્દાફાશમાં રાજકોટ રેન્જના આઈ.જી.પી. સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ વડા, ચોટીલા પોલિસ સ્ટેશનના પો. ઈન્સ. આઈ.બી. વલ્લી, પો. સ્ટાફના આસી. પો. સબ ઈન્સ. વિજયસિંહ ખુમાનસિંહ, હેડ કોન્સ્ટે. મેહુલભાઈ ગણપતભાઈ, પોલિસ જીપનો સ્ટાફનો વિશેષ આભાર માન્યો હતો.
ધતિંગ લીલાના પર્દાફાશમાં જાથાના ભાનુબેન ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, પ્રકાશ મનસુખભાઈ, સ્થાનિક દિનેશભાઈ મારૂ, વિનુભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ, ડાયાભાઈ વાઘેલા, પ્રવિણભાઈ પરમાર, દિનેશભાઈ વાઘેલા, બી. ડી. વાઘેલા, વિકાસ વાઘેલા, ભરતભાઈ પરમાર, અજયભાઈ શાહ, વિપુલભાઈ પંચાલ, મહંમદભાઈ ગઢવાળા, એમુ ગઢવાળા, સમીમબેન ગઢવાળાએ કામગીરી કરી હતી. ધતિંગનો અંત આવ્યો હતો. ધાર્મિક છેતરાયેલા લોકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ સંપર્ક કરવો.
ફોટો તસવીરઃ ત્રંબોડા ગામના મોહનભાઈ ખેતરીયા માફી માંગતા નજરે પડે છે. પૂછપરછ કરતા જાથાના જયંત પંડયા, ચોટીલાના કાર્યકરો નજરે પડે છે.